Sunday, August 24, 2014

શોધ ઝજરિયાની

'સફેદ કાગળ પર દસેય આંગળીઓમાં ફૂટે શાહી ને લખું હું કવિતા પ્રતિશોધની'
આવું કોક નબળી ક્ષણે ​સૂ​ઝે ને એનો અર્થ પ્રગટે​, ​ ​ જયારે ગુગલ​ (Google) ની મદદથી હું લેપટોપ પર ગુજરાતીમાં લખી રહ્યો છું. પણ પછી જાત જ ટપલી મારે. તેથી લખતા અટકું ને લાંબો અંતરાલ આવી જાય.
જાતને સતત ટપલીઓ મારતો રહું, જાત આંગળીઓને કહેણ મોકલે અને પછી તો લેપટોપ પર ટપલીઓ (ક્લિક ) મારીને અનેક બારીઓ (વિન્ડો ) સાથે અવનવાં જગત, આકાશગંગા, આકાશ, પાતાળના એક પછી એક દ્વારો ખૂલતાં રહે અને કામ ભૂલાઈ જાય. પછી ખ્યાલ આવે, 'અલા દોસ્ત , અહીં તો આકાશ અને પાતાળનો દરવાજો તો એક જ છે.' ખુલતી બારીઓ અને દરવાજા અફળાતા રહે. એક બારીમાં દેખાય ડેવિડ ઓગ્લીવીના દસ એડ્વટાઈઝીંગ નુસખાઓ, બીજી બારીમાં ખુલે બ્રેટ વેસ્ટનની શ્વત- શ્યામ તસ્વીરોનો ખજાનો, (બ્રેટ વેસ્ટનનું નામ પેહલી વાર અિશ્વન મહેતાના 'છબી ભીતરની' પુસ્તકમાં 'વણદીઠું વધે તે શુર' નામના લેખમાં વાંચ્યું હતું, ત્યારથી આ તસવીરકારનું ઘેલું છે. વારંવાર તેની સો સવાસો તસવીરો જોવા મન લલચાયા કરે ) ત્રીજી બારી માં ખુલે એમ. એસ. સથ્યુની મુલાકાત, ચોથી બારીમાં મંટો આવી સિગરેટના ખાલી ખોખા પર વાર્તા આપતા જાય, ને પાછળ લેપટોપના બોદા સ્પિકર પર સંગીત ચાલતું રહે ક્યારેક બોબ ડીલાન તો ક્યારેક અન્નપૂર્ણાદેવી તો ક્યારેક 'ઉડ જાયેગા હંસ અકેલા' ગાતા કુમાર ગંધર્વ, ત્યાંજ ઝીણી ઘંટડી વાગે, નવો પત્ર જી-મેલ પર આવ્યો છે, દૂર દેશથી. પત્ર વાંચતા મન ભીનું થાય. એમાંથી નીકળવા હું ગુગલ ની 'રિયુનિયન' વેબ જાહેરાત ફરી જોઉ , જાણે કે જાહેરાતના વરસાદની સાથે મારી અંદર માવઠું પડે... પણ હવે આ બધું લખતા કાગળ ભીનો થતો નથી કે નથી કાગળ ઊડી જતો, શાહી પ્રસરી જતી નથી, કે નથી પથ્થર ખેસવવાનો રહેતો કાગળ પરથી. કારણ હવે તો બધે બધું કમ્પ્યુટર પર. પણ ઘણીક વાર રસ્તો ફંટાઈ જાય છે.
અચાનક ડોરબેલ વાગે છે, ઊભો થાઉં છું. ને ઊભો જ રહી જાઉં છું. વર્ષો પછી આજે મારો ચડ્ડી દોસ્ત આવ્યો છે. એક ક્ષણ ઓળખવામાં થાપ ખાઈ જાઉં છું. ને પછીતો હું તેને તેડીને અંદર આવું છું. પણ એ તો બહાર જ રહી જાય છે. આવા એક બે મિત્રો આજે પણ ફક્ત ડોરબેલ વગાડવા જ આવે છે, ઘરમાં આવતા નથી, અમે સાથે બેસી સુરતના ફરમાસુ બિસ્કુટને ચા ખાઈ-પી શકતા નથી ના, ના, આ કઈ રૂપક કે એવું કંઈ નથી, બધા બસ ઓનલાઈન મળી જાય છે. બસ આજ જગત અમારું, આશા છે કે તમે આવા કમનસીબ ન હો. 'જોઈ લો દોસ્ત, તમારા ડોરબેલની સ્વીચ તો ઓન છે ને ? '
.......

આજે આવી જ એક વાત માંડવી છે. બે જૂના મિત્રો ફરી મળે છે, વિદેશથી આવી મિત્ર બારણે ટકોરા મારી વર્ષગાંઠની શુભેચ્છા આપે છે. આ મિત્રોને જોડનાર કડી બને છે, ગૂગલ અને તેને વાપરનાર નવી પેઢીના બે પ્રતિનિધિઓ. આ 3.32 મિનિટની વેબ - જાહેરાત ને ઉત્તમ શોર્ટ ફિલ્મ કહેવા મન લલચાય છે. તેના કારણો ઘણા છે.

ભારત- પાકિસ્તાનના ભાગલા પડયે આજે 2014માં 65 ઉપરાંત વર્ષ વીતી ગયા છે, અનેક લોકોએ આ દરમ્યાન ઘણું ગુમાવ્યું, તો ઘણાએ જિંદગી આખી સોરાયા કર્યું . આ બધી વાત, વેદના આપણા સુધી કેટલી પહોંચી? મંટો, ચુગતાઈ, ઇન્તેઝાર હુસૈન, રઝા કોણે વાંચ્યા? એમાંથી પાછા કેટલાએ સમજ્યા ? ગણી ગાંઠી ફિલ્મોમાં આ ભાગલાની વેદનાને ઝડપવાના પ્રયત્નો થયા , પણ યાદ રહી જાય છે, એમ.એસ. સથ્યુની 'ગર્મ હવા' અને ગોવિદ નિહલાનીની 'તમસ' સિરિયલ. શા માટે આપણે આ વિષયથી દુર ભાગીએ છીએ ? પ્રજા તરીકે આપણને ઇતિહાસમાં રસ નથી ? સંશોધનવૃતિનો અભાવ છે ? સંવેદનશીલતા ની ઓછપ છે કે આપણે એવું માનીએ છીએ કે સંવેદનશીલતાને અને બજારને બાર ગામનું છેટું છે ?ના છેક એવું નથી, આ બાર ગામને નજીક લાવવાનો, ભારત- પાકિસ્તાનના લોકોને જોડવાનો 'રિયુનિયન' ફિલ્મમાં સંવેદનસભર પ્રયત્ન થયો છે, તેમાં જોડનાર કડી બને છે, ગૂગલ અને બીજી મહત્ત્વની કડી છે એમ. એસ.સથ્યુ, ભાગલાની વાર્તા સાથે ફરી એક વાર જોડાય છે સથ્યુ, 'ગર્મહવા'ના દિગ્દર્શક 82 વર્ષના દાદા આ વખતે અદાકાર તરીકે જોવા મળે છે. એ જ ચીવટ અને ઝીણું કાંતવાની ટેવ તેમની અદાકારીમાં ય જોવા મળે છે. આ ફિલ્મની કથા ચાર પાત્રો બલદેવ (વિશ્વ મોહન બડોલા ), અને યુસુફ (એમ. એસ. સથ્યુ) , બલદેવપૌત્રી સુમન (ઔરીત્રી ઘોષ ) , યુસુફ પૌત્ર (સૈયદ અલી ) અને ગુગલ સર્ચ એન્જિન દ્વારા આકાર પામી છે. બલદેવ દિલ્લીમાં બેઠા બેઠા પાતાની પૌત્રી સુમન સાથે જૂના ફોટા જોતાં જોતાં લાહોરને સંભારે છે, મિત્ર યુસુફની યાદ આવી જવાથી સોરાય છે. સુમન ગુગલ ની મદદથી યુસૂફની દુકાન "ફઝલ સ્વીટ્સ"નો નંબર શોધી યુસૂફદાદાને ઘરે આવવાનું આમંત્રણ આપે છે. ફિલ્મમાં જ બને તેટલી સરળતા થી ભારતનો વિઝા લઈ યુસૂફ અને તેમનો પૌત્ર બલદેવના દરવાજે પહોંચે છે, ડોરબેલ વગાડે છે. જૂનું બારણું કીચૂડાટ સાથે ખુલે છે. યુસૂફ બલદેવને સાંગોપાંગ જોયા પછી, 'હેપી બર્થ્ડે યારા' કહે છે. જુજ ક્ષણો પછી બંને મિત્રો ભેટે છે, વર્ષો પછી. ખભા ઝૂકી ગયા છે પણ હજી પ્રેમ અકબંધ છે એ આ મિલનમાં પમાય છે. આપણે ક્ષણાર્ધમા ઝજરિયાથી ઝળઝળિયા સુધી પહોંચિયે છીઅે. દરમિયાન સફેદ સ્કિૢન પર ગૂગલ લોગો પ્રગટ થાય છે. આપણને થાય છે ફિલ્મ પૂરી થઈ ત્યાં તો પરાકાષ્ઠા પ્રગટાવતું દર્ુશ્ય શરુ થાય છે. આ દૃશ્યમાં બન્ને મિત્રો વરસાદમાં વર્ષો પછી સાથે ન્હાય છે. ત્યાં ફિલ્મ અટકે છે ને શરૂ થાય છે આપણા મનોજગતમાં. વરસાદમાં પલળવાના દૃશ્યો અનેકવાર આપણે જોયા છે. તેને અનુભવ્યા છે, ફિલ્મોમાં , નાટકોમાં, કવિતામાં. પણ આ ફિલ્મનો વરસાદ નોખો છે, મને, મારા મિત્રોને , ભારતીય ઉપખંડમાં રહેતા અને ભારતીય ઉપખંડમાં રહેતા લોકો સાથે સંબંધ ધરાવતા અનેક લોકો ને તે ભીંજવે છે. ભારતની વર્તમાન સ્થિતિ વચ્ચે આ ગરમીમાં , ઉકળાટમાં ભીંજાવું હોય તો તમે પણ આ ફિલ્મ એક વાર જોઈ લેજો. આ છે તેની લિન્ક https://www.youtube.com/watch?v=gHGDN9-oFJE અથવા તો યુટ્યુબ માં જઈ 'ગૂગલ રીયુનિયન' લખશો તો પણ વીડીયો પ્રગટશે.


કથાનકની રીતે આ સાડા ત્રણ મિનિટની ફિલ્મમાં પરંપરાગત ભારતીય કથનશૈલીનો વિનિયોગ થયો છે, દાદા પૌત્રીને કથા કહે છે, પોતાના બાળપણની, પાર્શ્વસંગીત અને 'યુસુફ તેરી પંતગ કટ ગયી' અવાજથી દાદાના બાળપણનું જગત ઉભું થાય છે આપણા ચિત્તમાં. આ કથાનો પહેલો પડાવ છે. દાદા જે મીઠાઈ ની વાત કરતા હતા તે ઝજરિયા શું છે તે શોધવા પૌત્રી નથી જતી તરલા દલાલ પાસે કે પોતાની દાદી પાસે. એતો પહોંચે છે કે ગુગલ પાસે જેની પાસે બધાના જવાબ હાજર છે. પૌત્રી ઝજરીયા શોધતા પહોચે છે , લાહોર માં આવેલ 'ફઝલ સ્વીટ્સ' નામની દુકાનની ઓનલાઈન પ્રોફાઈલ તરફ. ત્યાં ફોન પર મળે છે દુકાનના માલિક યુસૂફ. ઝજરિયા મીઠાઈ એ ફિલ્મને જોડનાર મહત્ત્વનું પરિબળ બની રહે છે. (ઝજરીયા મકાઈ , ઘી, દુધ અને ખાંડથી બનતી રાજસ્થાની મીઠાઈ છે. ) યુસૂફને ગૂગલ થકી ફોન પર મળવું એ કથા નો બીજો વળાંક. અને કથાનો ત્રીજો વળાંક બલદેવ અને યુસુફનું આત્મીયતાથી ભેટવું. અહીં મને મઝા એ પડીકે એક ક્ષણ બલદેવ ઓળખી નથી શકતા પોતાના જુના મિત્રને, પછી જાણે કે ટ્યુબલાઈટ થાય છે. અને પછી આનંદ ઉત્સવ શરુ થાય છે. યુસુફને ઓળખતા પહેલા બલદેવ પોતાની પૌત્રી સામે જુએ છે તે મને જરા ખુંચે છે. કારણ વર્ષો પછી તમારો મિત્ર ઘરે આવે તો તમે તેની આંખોમાં જુઓ , તેની કરચલી પાછળના ચહેરાને જુઓ નહીકે ઘરની કોક વ્યક્તિ તરફ. 'પણ દોસ્ત, આખરે તો આ જાહેરાત છે, તેથી તે ગુગલની પ્રતિનિધિ સમી પોતાની પૌત્રી સુમન તરફ જૂએ છે.' એવું કોક મારા મનમાં આવી કહી જાય છે. ફિલ્મમાં વારાફરતી બંને મિત્રોના જગત બતાવાય છે. અને એ રીતે આપણને અંતના મિલન માટે તેયાર કરાય છે.
બલદેવનું પાત્ર યોગ્ય રીતે ભૂતકાળને વાગોળતું, ભાવુક બતાવ્યું છે, જયારે યુસૂફનું પાત્ર પ્રમાણમાં વધુ દ્રુઢ મનોબળવાળુ બતાવાયું છે. એનું એક કારણ હજીય યુસૂફ મીઠાઈની દુકાનમાં વ્યસ્ત રહેતા બતાવ્યા છે, જયારે બલદેવ જૂની એન્ટીક દુકાનમાં વાતોને વાગોળતા થોડાક એકલા પડી જતા બતાવ્યા છે. પૌત્રી ચપળ, બોલકણી અને ઇન્તરનેટ પર ખાંખાખોળાં કરવામાં ઉસ્તાદ બતાવાઈ છે. અને તેના પોશાકમાં પણ ગુગલની બ્રાંડ આઇડેનટિટી સમા ભૂરા અને લાલ રંગોનો ઉપયોગ સજાગતાથી થયો છે. યુસુફનો પૌત્ર પણ ભૂરા રંગના શર્ટમાં હોય છે. એ પણ ગુગલનો ફિલ્મમાં જાણે કે પ્રતિનિધિ બન્યો છે.




ફિલ્મના પહેલા લોંગ શોટમાં દિલ્લી ઊભું કરાયું છે. સવારની નમાઝ પઢાઈ રહી છે. કબુતરોના ઊડવાની સાથે શોટ બદલાય છે આપણે પહુંચીયે છીએ બલદેવના બાળપણમાં. , નમાઝ (પ્રાર્થના ) , ઉડાન અને બાળપણ અનાયાસે સુંદર રીતે જોડાયા છે. પછીના ક્લોસ અપ શોટમાં બલદેવ અને યુસુફ નો ફોટો છે. પછીના કેટલાક શોટ ઓવર ધ શોલ્ડર છે. તેમાં વારાફરતી પૌત્રી અને બલદેવ દેખાયા કરે છે. ઓવર ધ શોલ્ડર શોટમાં એક વ્યક્તિનો ખભો દેખાતો હોય ને બીજી વ્યક્તિનો માથાથી કમર સુધીનો ભાગ દેખાતો હોય. અહીં પરંપરાગત ઓવર ધ શોલ્ડર શોટ (સિરીયલમાં આવે તેવો) નથી તેનો વધુ આનંદ થાય. અહી બલદેવ પોતાના બાળપણ માં સરે છે. અવાજ અને સંગીતથી જ પ્રેક્ષકના મનમાં લાહોર ઊભું કરાયું છે. આમ એક કાંકરે બે પક્ષી મરાયા। ( 1930નું લાહોરની શેરી ઊભી કરવામાં ફિલ્મનું બજેટ પણ વધી જાત ) ફરી એક વાર લોંગ શોટ આવે છે. અને ફિલ્મનો મૂડ બદલાય છે. આ લોંગ શોટમાં પૌત્રી ચા / કોફી પીતી પીતી પોતાના લેપટોપ પાસે ​પહોંચે છે. ક્લોઝ અપ શોટમાં ફરી એક વાર ​બલદેવ-યુસુફ નો ફોટો બતાવાય છે. પછી લોંગ શોટ આવે છે. અને ફિલ્મનો મૂડ બદલાય છે. તેથી એ પણ બતાવ્યું કે પૌત્રીને પણ દાદાઓની વાર્તામાં રસ પડ્યો છે. સાથેજ આપણી ઉત્સુકતાએ વધારાઈ અને જયારે છોકરી ગુગલ પર ખાંખાખોળા કરી રહી છે ત્યારે કેમેરા ઝૂમ ઇન લેપટોપના સ્ક્રીનપર થાય છે. અહીં ગુગલ લોગો પહેલી વાર દેખાય છે. સુમન ગુગલ પર ખાંખાખોળા કરતી કરતી ઝજરિયાથી , લાહોર ના મોચી ગેટ પર અને ત્યાંથી 'ફઝલ સ્વીટસ " ની પ્રોફાઈલ સુધી પહોંચે છે. પછીના લોંગ શોટમાં લાહોરની મસ્જિદ અને બીજા મીડ શોટથી શેરી બતાવાઈ છે. લોકો ની ચહલ પહલથી લાહોરનો ભીડ ભર્યો માહોલ ઊભો થાય છે. જે ભારતના કોઈ બજારથી જુદો નથી. સુમન જયારે યુસૂફ અંકલ સાથે ફોન પર વાતો કરી રહી હતી ત્યારે યુસુફ ધીરે ધીરે બાળપણના દૃશ્યો યાદ કરતા હોય એમ એમની આંખની, મોઢાની ભાવરેખાઓ , અદ્ભુત રીતે ક્લોઝ અપ ડોલી શોટ દ્રારા કેમેરામાં ઝિલાઈ છે.





અદાકારના ભાવમાં જે પરિવર્તન થઈ રહ્યું છે, તેને ગતિ આપવાનું છે કામ આ ડોલી શોટ કરે છે અને તે સથ્યુની અદાકારીને ઓપ આપી દે છે. આજ શોટ થી તમે પણ તમારા મિત્ર મળવા પહોચો છો. એના પછીના ક્લોઝ અપ ડોલી શોટમાં સથ્યુ ફોનનેપ્રેમથી જોયા બાદ સહેજ આંખ ઝુકાવે છે જાણે કે બલદેવને યાદ ન કરી રહ્યા હોય , ને દૃશ્ય બદલાય।. સંગીતની સાથે મૂડ પણ બદલાય છે.

બલદેવ ભાગલા વખતે કેવી રીતે લાહોરથી ભાગીને રાતો રાત આવી જવું પડ્યું તે વાત 'ઇન્ડિયા ગેટ'ની પશ્ચાદભૂમાં, સૂચક રીતે ફાલેલા બે વૃક્ષની નીશ્રામાં સુમનને કરે છે. આ દૃશ્ય માં 4 શોટ છે.પહેલો એક્ષ ટ્રીમ લોંગ શોટ જેમાં ત્રણ વ્રુક્ષ , બાકડો, અને બાકડા પર ​ બે વ્યકિત બેઠેલ દેખાય છે. બીજો મીડ ટુ ​શોટ અને ત્રીજો ચોથો ઓવર ધ​ શોલ્ડર શોટ્ છે.જેમાં બલદેવ અને સુમન વાતો કરે છે.​આમ જોવા જઈએ તો આખી ફિલ્મમાં આ જ ​શોટ ડીઝઆઈનીંગ થી દરેક સીન ઉભા થયા છે.પણ ​ હરેક શોટ તેના ફ્રેમીન્ગને કારણે વધુ રસપ્રદ બન્યો છે. ​ એના પછીના ​સીન માં ગતિ છે, કારણ યુસુફ અને તેમનો પૌત્ર ભારત પ્રવાસ કરવાની તૈયારીમાં છે. તે યુસુફ પૌત્રની રૂમ ની અંદરની ગતિ અને જંપ કટ દ્વારા આ સીનની ગતિને વધુ વેગવાન બનાવાઈ છે. આ સીન યુસુફની હવેલીની એક જ બાજુથી શૂટ થયો છે. 19 સેકંડ ના આ સીન માં પાંચ શોટ અને ​આઠ કટ છે. પ્રકાશ વ્યવસ્થા માં કુદરતી પ્રકાશને પુનરાવર્તિત કર્યો છે. અને તેથીજ આખી ફિલ્મ ખાસી વાસ્તવિકતાની નજીકની લાગે છે. કુદરતી પ્રકાશને અનુસરવાનો ઝોક છેલ્લા વર્ષો ભારતીય ફિલમમાં વધ્યો છે તે આનંદદાયક ઘટના છે.

ફિલ્મમાં ક્લીનતન સેરેજો નું સંગીત ગણગણાવાનું મન થાય તેવું છે. ફિલ્મની શરૂઆત સવારની બાંગથી થાય છે. 25 મી સેકન્ડે સંગીત શરૂ થાય છે. ને રબાબનો પહેલો તાર રણઝણે છે. ( રબાબ આરબ પ્રદેશનું તંતુ વાદ્ય છે, અને તેનો સૂચક ઉપયોગ થયો છે) પછી વોઇસ ઓવર માં બાળપણનો બલદેવ બોલતો સંભળાય છે, "અરે યુસુફ તેરી પન્તંગ કટ ગયી" કપાયેલી પતંગ આપણા મનમાં ઉડવા માંડે છે, ત્યારે જ ગીતના શબ્દો શરૂ થાય છે. ગીત નિલેશ જૈને લખ્યું છે. ને તે વાતાવરણ ને રચવામાં મદદરૂપ બને છે.
શબ્દો જુઓ.
"બચપને કે તંગ ગલી ફિર સે કૂદે ફાંદે,
છોટી છોટી મીઠી છોડી ગાંઠ લેકે જાયે, "
આ કડી બે વાર આવે છે. પહેલી વાર સુમન ઝજરિયા શોધવાનું ગુગલ પર શરુ કરે છે ત્યારે અને બીજી વાર જયારે સુમન યુસુફ અંકલને ઝજરિયાથી બલદેવ સાથેના બાળપણમાં લઈ જાય છે ત્યારે. અને તે ફિલ્મમાં ઝજરિયાનું મહત્વ વધારી દે છે. અને એના પછીની કડી યુસૂફ અંકલ ના મનને ખોલી આપે છે.

"એક પતંગ સા થા પરીન્દો કી તરાહ,
એક દૌર થા, મન મન મોર થા, "

અહીં તબલાની થાપ પહેલી વાર સંભળાય છે અને તે લાગણીને એક વધુ વળ આપવાનું કામ કરે છે. ત્યાં સુધીમાં કથાનો બીજો વળાંક આવી ચુક્યો છે.  દિલ્લી આવવાનું યુસુફ અંકલને ​આમંત્રણ અપાઈ ચુક્યું છે. યુસુફ પૌત્ર તૈયારી માંડે છે ભારત જવાની. ત્યારે જાણે કે યુસૂફ વિચારતા હોય તેમ ગીતનો ટુકડો આવે છે. જે આપણને યુસુફના પાત્રથી વધુ પરિચિત કરાવે છે. યુસૂફ ફિલ્મમાં બે જ ​સંવાદ બોલ્યા છે, પણ અદાકારી સંવાદમાં જ પ્રગટે એવું ક્યાં છે? સથ્યુ ફક્ત આંખોથી જ કેટલું કહી શક્યા છે. ​એક વાર ફક્ત સથ્યું ની આંખો ક્યાં કયા ફરી રહી છે, તે જોવા વધુ એક વાર ફિલ્મ જોવી, તેવી મારી વિનંતી. તમે નવું કંઇક પામશો.

"કાગઝો કી કશ્તિઓયોમેં ડૂબા રેહતા થા,
ઝાંખતી ખીડ્કીયો મેં ઉલઝાં રેહતા થા
વો ભી ક્યા દોર થા, મન પે ના જોર થા,
એક દોર થા, મન મન મોર થા "





આ ટુકડો યોગ્ય રીતે યુસુફ ડોરબેલ વગાડે છે ત્યાં પૂરો થાય છે. અને અહીંથી મિત્રતાનો ઉત્સવ ઉજવાય છે. અંદર બહારની અવર જવર, પાત્રોના સંવાદ, સંગીત અને ભાવભંગીથી સુંદર રીતે બહાર આવી છે. આખીય ફિલ્મમાં સેરેજોએ દૃશ્યોને અનુરૂપ સુ-ગમ સંગીત આપીને વાતાવરણને વધુ અહ્લાદક બનાવ્યું છે. સેરેજોને ​તેના સંગીત માટે દાદાસાહેબ ફાલકે ​એવાર્ડ  આ વર્ષે ​ મળે છે.
કળા (આર્ટ ડીરેક્શન )નું કામ ફિલ્મમાં અર્થ પૂર્ણ રીતે થયું છે. ​જુનો પુરાણો યુસુફ - બલદેવ નો જર્જરિત ડાયરીમાં સાચવેલો ફોટો , એન્ટીક દુકાન જેમાં જુના પુરાના મેડલ અને કપ મળે છે તેની સજાવટ, બલદેવ નું ઘર, તેનું જર્જરિત બારણું, બલદેવના ઘરના વરંડામાં બે ઉભી ફોટો ફ્રેમ જેમાં બે પક્ષીઓ એક ડાળ બેઠા છે તેવું ચિત્ર મુકીને મૈત્રીના થીમને વધુ ઘેરું બનાવાયું છે. જુના ડોરબેલ ઉપર ધૂળ ચોંટી છે, સારું છે િદગદર્શકે જાણી કરી ને તે ધૂળ ને ન ઉડાડી. જે ને માટે આપણને કળા-દિગદર્શક અને દિગદર્શક
બન્નેને સલામ ભરવાનું મન થાય. બલદેવના ઘરમાં , દુકાનમાં પીળા રંગની વિધ વિધ છટાઓ છે જયારે યુસુફની દુકાન માં લાલ રંગનું મહત્વ વધુ છે. આમ બે રંગો નું વિશ્વ છેલ્લે વરસાદ માં પલળે છે, ને રંગ પ્રસરે છે આપણામાં.





ગૂગલ તરફથી એડ એજન્સી ઓગીલીવી, મુંબઈને એડ બનવાવા માટે બ્રીફ મળે છે, " ગૂગલ સર્ચ એન્જિન રોજિન્દી જિંદગીમાં કેટકેટલું અર્થપૂર્ણ બની શકે તે બતાવવું, અને ગૂગલ અને જીવન વચ્ચેનો સંબંધ "મેજિકલ" હોય તે પણ બતાવવું." બસ એડ ફિલ્મ મને તો ઘણાક કલાકો સુધી નવા વિશ્વમાં મુકે દે. જેને કદાચ 'મેજિકલ' જગત કેહવાતું હશે. આ બ્રીફ ઉપરથી આવી સુંદર વાર્તા લખવા બદલ લેખક સુકેશકુમાર નાયક અને દિગ્દર્શક અમિત શર્મા ને અભિનંદન ઘટે. અેવુ કહેવાય છે કે આજ જાહેરાત વર્ષોની મેહનત પછી અમિત શર્માને પહેલી ફિલ્મ અપાવે છે. બીજું આ જાહેરાત ફિલ્મ વધુ રસપ્રદ નીવડે છે કારણ અહીં છાપરે ચડીને પ્રોડક્ટની આરતી ઉતારાઈ નથી. બે જ વાર ગૂગલનો લોગો આવે છે. જો કથા, ફિલ્મ રસપ્રદ હોય તો પ્રોડક્ટનો આપોઆપ વધુ પ્રસાર થવાનો ને અસર ધારદાર રહેવાની એ ગુગલ સમજી શક્યું તેનો આપણને આનંદ. આ જ કેમ્પેન માં બીજી ચાર એડ પણ બની છે. તેમાં આજ પાત્રો છે. પણ તે જાહેરાત બની શકી છે, નહિ કે ફિલ્મ.

આ જાહેરાત વેબ જાહેરાત છે. વેબ જાહેરાતનું બજાર નવું વિકસી રહ્યું છે. હવે દરેકે દરેક બ્રાંડ વેબ જાહેરાત કરવા ઉત્સુક છે. કારણ તેમનો યુવાન ગ્રાહક હવેના વર્ષોમાં ટી.વી. ઓછુ પણ વેબ ઉપર વધુ સમય ગાળવાનો છે. સમાચાર,શોપિંગ , મનોરંજન બધું જ ઇન્ટરનેટ થકી. તેથી જાહેરાત પણ આ માધ્યમ માટે જ હોય. ઇન્ટરનેટ માધ્યમે ​દરેકને નવી રીતે વિચારવાની ફરજ પાડી છે. નજીકના જ વર્ષોમાં ફિલ્મનો પહેલો SHOW થીયેટરને બદલે કોક યુટ્યુબ પ્રકારની સાઈટ પર જ યોજાય તો નવાઈ નહિ પામતા. પુસ્તકો , મેગઝીનો અને વર્તમાન પત્રો ફક્ત ઓનલાઇન જ મળશે તે દિવસો દૂર નથી. ઘણા મહત્વના વર્તમાનપત્રો, મેગેઝીનો અમેરિકા માં બંધ થઈ રહ્યા છે. આ પવન ભારત સુધી આવતા હજી વીસેક વર્ષ નીકળી જશે. ત્યારે આપણે પણ પુસ્તકની વ્યાખ્યા પણ બદલવી પડશે.


હવે એ વિચારીએ ગુગલને આ કેમ્પેન કરવાની શી જરૂર પડી? ગુગલ સર્ચ એન્જિન તો બધાનો બાપ છે, ગુગલ પાસે બધાના જવાબો હાજર છે, તેમાંથી તમારે તમારો જવાબ પસંદ કરવાનો છે. સાથે કેટલીક પેઇડ જાહેરખબરો પણ જવાબ રૂપે હશે. એમાંથી જ ગુગલ અઢળક કમાય છે. તો શા માટે કરોડો ખર્ચીને આવડું મોટું કેમ્પેન ? ગુગલને ભારત મોટું બજાર દેખાયું છે, અને તે પાણી પેહલા પાળ બાંધવામાં માને છે. ચીન અને જાપાનનું બજાર તો તેમના હાથમાંથી ગયું જ છે. તેથી ભારતીય ઉપખંડમાં તેમનું ધ્યાન કેન્દ્રિત થયું છે. 2013માં ભારતીય ઉપખંડમાં સ્માર્ટ ફોનધારકો 4 કરોડ ઉપર હતા. આંકડો કુદકે ને ભૂસકે વધી રહ્યો છે. વારે વારે સ્માર્ટ માં નવો મેલ કે ફેસબુક મેસજ તો આવ્યો નથી તે જોવા દરેક સ્માર્ટ ફોન ધારક લલચાય જાય છે. તેને પછી તેનું વળગણ થઈ પડે છે. ભલે કારખાનામાં કામ કરતો કામદાર હોય કે કોલેજ માં ભણતો વિદ્યાર્થી કે કંપનીનો મેનેજર. (દુખ સાથે કહું કે મને પણ આ વળગણ છે. ) સ્માર્ટ ફોનમાં શોધ માટે અનેક અવનવી એપ્લીકેશન શોધાઈ રહી છે. તમારે નાટક કે ફિલ્મ જોવી છે તો BOOKMYSHOW , તમારે ખાવાના સ્થળોની યાદી જોઈએ તો zomato અને પુસ્તક મંગવાવવું છે તો flipcart અને amazon. પુસ્તકના રીવ્યુ સાથે તેની વિગત આપશે, બસ આખું જગત તમારા ચરણોમાં તો નહિ પણ સ્માર્ટ ફોનના સ્ક્રીન પર. આની સામે બજારમાં ટકવા ગુગલ મચી પડ્યું છે. તેના બિલોરી કાચમાં બધું જ આવી જાય છે. તેથી ગુગલ એપ્લીકેશનથી તમે શોધ કરો, પ્રતિશોધ કરો, ખરીદો , વાંચો, વિચારો ને શેર કરો. તેથી આ 3.32 મિનીટની જાહેરાત ફક્ત ઈન્ટરનેટ માટે બની છે.


નવેમ્બર 2013 માં યુ ટ્યુબ પર ઉપલોડ થયેલી આ એડ ગણતરીના કલાકોમાં જ લાખેક લોકો જોઈ લે છે, અને અત્યારે આંકડો એક કરોડ ઉપર ગયો છે. લોકો અનેક વાર મિત્રો ને બતાવે છે ને આનંદ વહેંચે છે. આ ફિલ્મ ભારત - પાકિસ્તાનની પ્રજાના તાણાવાણા કેટલા જોડાયેલા છે તે ઝીણવટથી બતાવે છે, બન્ને દેશના નેતાઓની કરતૂતોને કારણે ભારત - પાકિસ્તાન સતત ઝઘડતા રહે પણ પ્રજા તરીકે આપણે એક છીએ. આ ફિલ્મની સફળતા તેની સાહેદી પૂરે છે. આ ફિલ્મમાં બે અલગ ધર્મોના, બે અલગ દેશના મિત્રો પસંદ કરીને ફિલ્મ સારી ટકોર કરી જાય છે. અને તેમની વચ્ચેની લખલૂટ મૈત્રી કટ્ટરવાદીઓને ટપલી મારી જાય છે. જે સમયમાં આ ફિલ્મ આવી છે તે પણ મહત્ત્વનું છે. પાકિસ્તાન ફરી તાલીબાનીઓના સંકંજામાં સરકી રહ્યું છે, પાકિસ્તાનમાં ગેર- મુસ્લિમોની સ્થિતિ દયનીય છે. ભારતમાં ચુટણી પૂરી થઈ છે. ભારતીય પ્રજાને પોતાનો તારણહાર મળી ચુક્યો છે. તારણહારની વિચારધારા હવે ધારા રહી નથી પણ ધસમસતો ધોધ બની છે. ત્યારે આવા વાતારણમાં ફરી ફિલ્મ જોઈએ ત્યારે આપણને માનવજાતમાં આશા જન્મે છે. અને આ ફિલ્મ ફરી કોકમાં સાચો રામ વસાવશે. ત્યાં સુધી તો કાળઝાળ ગરમી અને વરસાદની વાટ.






પ્રોડક્ટ : ગુગલ શોધ
ગ્રાહક : ગુગલ
એજન્સી : ઓગ્લીવી એન્ડ માથેર ભારત
ભાષા: હિન્દી
સમય અવધિ : 3:32 મિનીટ
દિગ્દર્શક : અમિત શર્મા
સિનેમેટોગ્રાફર : તસાદુક હુસૈન
સંગીત : ક્લીન્ટન સરેજો
ગીત : નીલેશ જૈન
ગાયક : પીયુષ મિશ્રા
એડિટર : શેખર પ્રજાપતિ અને સુનીલ પાઠક
અદાકારો : વિશ્વમોહન બડોલા, માયસોર શ્રીનિવાસ સથ્યુ, ઔરીત્રી ઘોષ , સૈયદ અલી
રિલીસ તારીખ : 13 નવેમ્બર , 2013 (યુ ટ્યુબ ) , 15 નવેમ્બર , 2013 (ટી.વી.)
પ્રોડક્શન કંપની :ક્રોમ પિક્ચર્સ

Article Published in 'Samipe' Gujarati art- literary magazine issue 29. 2014.