હજી પણ યાદ છે, સાવલી ગામની કોદરલાલની નિશાળ, વાડીમાં ચાલતી, શાળામાં એક જ મોટો રૂમ , એક ધોરણમાંથી બીજા ધોરણમાં જવું હોય તો બે લાકડા ના થાંભલા પાર કરો એટલે બીજા ધોરણમાં , આ રીતે હું પણ એક વાર બેસી ગયો તો બીજા જ કોક ધોરણમાં ઼ મારી સાથેના માખી મારતા મિત્રો નહી જોયા, તેથી થયું કે લે આ તો કાંક બીજે જ જઈ બેઠો, ઝાઝુ કોઈ પૂછનાર નહોતું, તેથી શાંત તોફાનોની શરુઆત ત્યાંથી જ થઈ . હા પણ એ ખરું કે આ શાળામાં મેં માર ખુબ ખાધો હતો, તેથી જ મને ખાસ શાળાએ જવાનું ગમતું નહિ . શાળામાં વચે ખુલ્લો ચોક હતો . ત્યાં રીસેસ માં અમે મિત્રો પકડા પકડી રમતા અથડાય પડતા , રોજ સવારે ચટપટાવાળા પાથરણા પાથરવા અમે ઝઘડતા . ક્યારેક વાડી હોવાને કારણે આગલે દિવસે વધેલા શાક અને દાળ ની ગંધ પણ આવતી, વધેલા પતવાળા શાળાનાજ આંગણ માં ડુક્કરો ચુથતા હોય તે ક્યાં થી ભૂલાય ?
પણ પછી એક દિવસ અમારું ભાગ્ય બદલાયું, શાળા નું નામ અને સરનામું પણ બદલાયું , અમે વાડીમાંથી જઈ ચડ્યા જાણે મહેલમાં, કમાનવાળી શાળાના દરવાજા અને બારીઓની ડીઝાઈનને કારણે મને તો 'ગંગોતરી' મહેલ જ લાગતી . હા, મોટા ભાગના અમે 'ગંગોતરી' જ કેહતા . અથવા સ્વામીજીની શાળા . હવે અમારે પાથરણા પાથરવાના નહોતા, કારણ નવી નકોર પીળા પોલીશવાળી બેન્ચ પર અમે બેસતા હતા . નવી નક્કોર બેંચ પર પરિકરથી અમારું નામ કોતરતા, અને મહિનાઓ સુધી એમ લાગતું કે એ બેંચ અમારી જ . પણ ધીરે અમારા નામ ઝાંખા થતા, એની ઉપર કોક બીજુ નામ કોતરતું , અમારી બેંચ અમારી નહિ રહેતી જાણે કે બેન્ચપાઠ (રાજપાઠ નહિ) છીનવાય જતો . આખરે આ શાળા એ જવાનું ગમવા માંડ્યું . અને માર તો પડતો જ નહિ . હા નિશાળમાં એટલું હતું કે એક ધોરણ એક જ રૂમમાં કાઢવાનું રહેતુ . બીજા ધોરણના મિત્રો શું કરે છે તેના ડાફા નહિ મરાતા .
બીજા ધોરણથી પરીક્ષાના માર્ક આવવાના શરુ થયા, મોકાણ પણ શરું થઈ, માર્ક પાછળ ભાગવાની . કાયમ મારો નંબર બીજો જ રહ્યો . પહેલો હાર્દિક શાહ, બીજો હું અને ત્રીજો ભરત મકવાણા . તેનો રંજ લાંબો સમય રહ્યો . મનહર ભાઈ સ્વભાવે ઘણા કડક લાગતા, એમની સાથે અમારો ક્લાસ સૌરાષ્ટ્રના પ્રવાસે પણ ગયો તો , પ્રવાસનો એક પ્રસંગ આજે પણ રમુજ અપાવે છે, અમારો એક મિત્ર મનહરભાઈથી સખત બીએ . એને થઇ લઘુશંકા, એને થાય કે કેમનું કેહવું કે બસ ઉભી રાખે, તેથી તેણે લઘુશંકાકાર્ય બસમાં વોટરબેગમાં જ પતાવ્યું . ચાલતી બસમાં જેવો એ વોટરબેગ ફેકવા ગયો ત્યારે બધાને ખબર પડી, હજી આજે પણ હસવું રોકી નથી શકાતું . તો મારી એક વાત . જીવન માં પેહલી જ વાર એક છોકરીને વર્ષગાંઠ નિમિતે ગીફ્ટ આપવા મન ત્રીજા ધોરણમાં લલચાયું , તેનું ફક્ત નામ મે બે પાનાં પર એકસો આઠ વાર લખ્યું હતું , અને એજ મારી તેની વર્ષગાંઠની ગીફ્ટ . પછી તો આખા ક્લાસમાં ખબર પડી અને મનહરભાઈએ અંગુઠાય પકડાવ્યા હતા . દિવસો સુધી શરમ લાગતી, ક્લાસમાં જવાનું ગમતું નહિ કારણ મિત્રો મજાક ઉડાવતા .
'ગંગોત્રી' આદર્શ શાળા બની રહે તે માટે સ્વામીજીના પ્રયત્નો રંગ લાવ્યા હતા એ શરૂના વર્ષોમાં . વર્ષો પછી જયારે હું ગંગોત્રી અને હિમાલયના વિસ્તારોમાં ફર્યો ત્યારે મને ગંગોત્રી નામ નું મહાત્મ્ય સમજાયું, અને એની પાછળનું પૂ . સ્વામીજીનું દર્શન (વીસન ) પણ થોડુક સમજાયું . હજી આજે પણ જયારે હિમાલયમાં ફરવાનું શક્ય બને છે ત્યારે મનોમન ગંગોત્રી શાળાના પ્રેરક પૂ . સ્વામીજી ને મનોમન પ્રણામ થઈ જ જાય છે .